આ લેખ ગ્લોબલ વોઇસિસની નવેમ્બર 2026ની સ્પોટલાઇટ શ્રેણી, “ન્યાય એક પાયાની વ્યવસ્થા તરીકે”નો ભાગ છે. આ સ્પોટલાઇટમાં ગ્લોબલ વોઇસિસે ધ હેગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇનોવેશન ઑફ લૉ (HiiL) સાથે ભાગીદારી કરી છે, જેથી કોઈ પણ સમાજ માટે ન્યાય કેવી રીતે અતિમહત્ત્વની પાયાની વ્યવસ્થા તરીકે કામ કરે છે તે ઉજાગર કરી શકાય. આ કવરેજને દાન આપીને ટેકો આપવા માટે સ્રોત વિભાગ જુઓ.
ક્વિટોમાં ડેનિયલ નોબોઆની સરકારે યુવાનો માટે રોજગારી વધારવાના પ્રયાસરૂપે અમલમાં મૂકેલી ‘હોવેનેસ એન આક્સિઓન’ (યુથ ઇન એક્શન) વ્યૂહરચનાના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તાઓ અને ચોકમાં કૂચ તથા ધરણાં કરી રહ્યા છે. તેઓ દવાઓ, સુરક્ષા અને શિક્ષણ માટે બજેટની માગ કરી રહ્યા છે.
તેમનો વિરોધ એક્વાડોરમાં સામૂહિક આંદોલનની પરંપરાગત રીતથી સ્પષ્ટપણે અલગ છે. અગાઉ આવી ઘટનાઓનું નેતૃત્વ કન્ફેડરેશન ઑફ ઇન્ડિજિનસ નેશનાલિટીઝ ઑફ એક્વાડોર (CONAIE); એક્વાડોર કન્ફેડરેશન ઑફ ફ્રી ટ્રેડ યુનિયન ઓર્ગેનાઇઝેશન્સ (CEOSL), યુનાઇટેડ વર્કર્સ ફ્રન્ટ (FUT) અને નેશનલ યુનિયન ઑફ એજ્યુકેટર્સ (UNE) જેવાં મજૂર સંગઠનો; તેમજ નારીવાદી, ખાણકામવિરોધી અને પર્યાવરણવાદી આંદોલનોએ કર્યું છે.
જોકે, શનિવાર, 10 ઑક્ટોબર 2026ની બપોરે એક્વાડોરની રાજધાનીમાં માધ્યમિક શાળા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નેતૃત્વમાં વિશાળ આંદોલન જોવા મળ્યું. તેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીની બહાર ભેગા થયા અને ત્યાંથી ક્વિટોના ઐતિહાસિક કેન્દ્ર સુધી કૂચ કરી. અનેક યુવા સમૂહોના બનેલા ઑટોનોમસ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (FARO)એ આ કૂચનું આહ્વાન કર્યું હતું:
ક્વિટોમાં જે થઈ રહ્યું છે તે અદભુત છે:
કૂચનું નેતૃત્વ કરનારાઓએ તેને સમાપ્ત કરવાની જાહેરાત કરીને લોકોને વિખેરાઈ જવા કહ્યું. આમ છતાં, લોકોનું ટોળું પોલીસના ઘેરાવને પડકારતું અને ડેનિયલ નોબોઆની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતું ક્વિટોના રસ્તાઓ પર આગળ વધી રહ્યું છે. @teleSURtv
— એલેના રોડ્રિગેઝ યાનેઝ (@ElenaDeQuito), 10 ઑક્ટોબર 2026
ક્વિટોમાં જે થઈ રહ્યું છે તે ચોંકાવનારું છે: કૂચનું નેતૃત્વ કરનારાઓએ તેને સમાપ્ત કરવાની જાહેરાત કરીને ટોળાને વિખેરાઈ જવા કહ્યું. આમ છતાં, લોકોનું ટોળું પોલીસની નાકાબંધીને પડકારતું અને ડેનિયલ નોબોઆની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતું ક્વિટોના રસ્તાઓ પર આગળ વધી રહ્યું છે.
ક્વિટોના યુવાનોએ રસ્તા પર ઊતરીને જાહેર સેવાઓની કથળતી સ્થિતિનો વિરોધ કર્યો. તેમાં હૉસ્પિટલોમાં તબીબી સામગ્રી અને દવાઓની અછત, જાહેર શિક્ષણના બજેટમાં કાપ, યુવાનોમાં રોજગારીનું નીચું પ્રમાણ, અસુરક્ષામાં સતત વધારો અને સરકારી એજન્ટો દ્વારા લોકોને બળજબરીથી ગુમ કરી દેવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમનાં સૂત્રોમાં પેલેસ્ટાઇનમાં થઈ રહેલા નરસંહાર અને લેટિન અમેરિકામાં અમેરિકાના હસ્તક્ષેપનો પણ વિરોધ કરાયો હતો.
માળખાકીય નિષ્ફળતાઓ યુવા આંદોલનને વેગ આપે છે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ સેન્સસ (INEC)ના આંકડા મુજબ, એક્વાડોરના બેરોજગાર લોકોમાંથી 40% લોકો 15થી 24 વર્ષની વયના છે. રોજગારની અસુરક્ષિત સ્થિતિ, તકોનો અભાવ અને જીવનનિર્વાહનો ઊંચો ખર્ચ દેશના યુવાનોને અસર કરતાં પરિબળોમાંનાં કેટલાંક છે.
દરમિયાન, 30 ઑક્ટોબરે નોબોઆ સરકારે ‘યુથ ઇન એક્શન’ની ત્રીજી આવૃત્તિ શરૂ કરી. આ પહેલ 18થી 29 વર્ષની વયના લોકો માટે છે અને તેમને દર મહિને USD 400ના પગારે 2 મહિનાની હંગામી નોકરી આપવાનું વચન અપાયું છે. વિવિધ શિક્ષણવિદો અને નાગરિક ક્ષેત્રના પ્રતિનિધિઓએ આ પગલાની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે વ્યાપક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણનો અભાવ યુવા બેરોજગારીનો સામનો કરવામાં આ પગલાની બિનઅસરકારકતા સાબિત કરે છે.
નવેમ્બર 2025માં એક્વાડોરની નેશનલ એસેમ્બલીએ દેશના 2026ના બજેટ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેમાં જાહેર યુનિવર્સિટીઓ, પોલિટેક્નિક શાળાઓ, સહ-ધિરાણ મેળવતી સંસ્થાઓ અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે ફાળવાયેલા બજેટમાં આશરે USD 99 મિલિયનનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડાની અસર વિદ્યાર્થી શિષ્યવૃત્તિઓના અભાવ, સંશોધનમાં કોઈ રોકાણ ન થવું અને મફત જાહેર ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ઉપલબ્ધ બેઠકોમાં ઘટાડા રૂપે જોવા મળી. એક્વાડોરના બંધારણની કલમ 26માં મફત જાહેર ઉચ્ચ શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે.
યુવાનોના પ્રતિકારની ભાષા બનતાં સૂત્રો
યુવાનોની શાંતિપૂર્ણ કૂચ દરમિયાન ભાગ લેનારાઓએ “નોબોઆ બહાર જાઓ, બહાર જાઓ,” “લોકોને શાંતિ નહીં મળે તો સરકારને પણ નહીં મળે” અને “નોબોઆ, ફાસીવાદી” જેવાં સૂત્રો પોકાર્યાં. આ રીતે તેમણે એવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો, જે તેમના મતે માત્ર યુવાનોને જ નહીં પરંતુ મોટાભાગની વસ્તીને અસર કરતી સામાજિક સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે.
ખામીભર્યા જાહેર વહીવટનો સીધો અસ્વીકાર અને તેની સાથે નાગરિકો સામે રાજ્યની અતિશય હિંસાએ વિદ્યાર્થીઓને વિરોધ કરવા પ્રેર્યા. સોશિયલ મીડિયા પર મૂકાયેલા અનેક વીડિયોમાં શાંતિપૂર્ણ દેખાવકારો સામે પોલીસનું આક્રમક વર્તન તેમજ વિરોધ પ્રદર્શનનું રિપોર્ટિંગ કરતા પત્રકારો પર શારીરિક હુમલા કેદ થયા હતા.
ટેલિસુરનાં રિપોર્ટર એલેના રોડ્રિગેઝ યાનેઝે X પર પોતાનો અનુભવ જણાવ્યો:
પ્રેસ સામે પોલીસના હુમલાઓનું વારંવાર વર્ણન કરવું પડે છે તેનાથી હું કંટાળી ગઈ છું. આજે અધિકારીઓ જે હિંસા સાથે યુવા દેખાવકારોને મારતા હતા તેનું દસ્તાવેજીકરણ કરવાનો હું પ્રયાસ કરી રહી હતી ત્યારે પાછળથી મારા માથા પર લાઠી મારવામાં આવી. મેં ફરીને પત્રકાર તરીકે મારી ઓળખ આપવા માટે ટેલિસુરનું મારું માઇક્રોફોન બતાવ્યું, પરંતુ જવાબમાં લાઠીનો બીજો ફટકો મારવામાં આવ્યો અને તેનાથી માઇક્રોફોન તૂટી ગયું.
અમે પત્રકારો પોતે સમાચાર બનવા માગતા નથી. મારે કોઈ બાબતમાં મુખ્ય પાત્ર બનવું નથી. જે બની રહ્યું છે તે જણાવવા અને સત્તામાં રહેલા લોકો ઘણી વાર જે કોઈને જોવા દેવા માગતા નથી તેનું દસ્તાવેજીકરણ કરવા હું રસ્તા પર છું.
અને જો તેઓ માનતા હોય કે માર મારીને તેઓ મને પોલીસની ક્રૂરતા નોંધવાનું બંધ કરાવી શકશે, મારું માઇક્રોફોન હટાવી શકશે અથવા મને અનેક બ્લોક પાછળ ધકેલીને એવી જગ્યાએથી પત્રકારત્વ કરવા મજબૂર કરી શકશે જ્યાં તેમને કોઈ ‘અગવડ’ ન પડે, તો તેઓ ભારે ભૂલ કરે છે.
ઘટનાસ્થળથી પત્રકારોએ દૂર જવાની જરૂર નથી. પોલીસે હુમલા કરવાનું બંધ કરવાની જરૂર છે. માહિતી આપવાના અધિકાર અંગે લાઠીના જોરે સોદાબાજી થઈ શકે નહીં.
— એલેના રોડ્રિગેઝ યાનેઝ (@ElenaDeQuito), 11 ઑક્ટોબર 2026
પ્રેસ સામે પોલીસના હુમલાઓનું વારંવાર વર્ણન કરવું પડે છે તેનાથી હું કંટાળી ગઈ છું. આજે અધિકારીઓ જે હિંસા સાથે યુવા દેખાવકારોને મારતા હતા તેનું દસ્તાવેજીકરણ કરવાનો હું પ્રયાસ કરી રહી હતી ત્યારે પાછળથી મારા માથા પર લાઠી મારવામાં આવી. મેં ફરીને પત્રકાર તરીકે મારી ઓળખ આપવા માટે ટેલિસુરનું મારું માઇક્રોફોન બતાવ્યું, પરંતુ જવાબમાં લાઠીનો બીજો ફટકો મારવામાં આવ્યો અને તેનાથી માઇક્રોફોન તૂટી ગયું.
અમે પત્રકારો પોતે સમાચાર બનવા માગતા નથી. મારે કોઈ બાબતમાં મુખ્ય પાત્ર બનવું નથી. જે બની રહ્યું છે તે જણાવવા અને સત્તામાં રહેલા લોકો ઘણી વાર જે કોઈને જોવા દેવા માગતા નથી તેનું દસ્તાવેજીકરણ કરવા હું રસ્તા પર છું.
અને જો તેઓ માનતા હોય કે બળ વાપરીને—મારનો વરસાદ વરસાવીને—તેઓ મને પોલીસની ક્રૂરતા નોંધવાનું બંધ કરાવી શકશે, મારું માઇક્રોફોન હટાવવા મજબૂર કરી શકશે અથવા મને અનેક બ્લોક પાછળ ધકેલીને એવી જગ્યાએથી પત્રકારત્વ કરવા મજબૂર કરી શકશે જ્યાં હું કોઈ ‘અગવડ’ ઊભી ન કરું, તો તેઓ ભારે ભૂલ કરે છે.
ઘટનાસ્થળથી પત્રકારોએ દૂર જવાની જરૂર નથી; પોલીસે હુમલા કરવાનું બંધ કરવાની જરૂર છે. માહિતી આપવાના અધિકાર અંગે લાઠીના જોરે સોદાબાજી થઈ શકે નહીં.
કેથોલિક યુનિવર્સિટી ઑફ એક્વાડોરના વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતારી ઉલ્કુઆંગોએ પોતાના એક ભાષણમાં ચેતવણી આપી હતી કે આ આંદોલનો “માત્ર શરૂઆત” છે.
10 ઑક્ટોબરે યુવાનોએ કૂચ અને ધરણાં દ્વારા રસ્તાઓ પર કબજો જમાવ્યો ત્યારે તેમણે પોતાનો અવાજ સંભળાવવા કળાનો પણ ઉપયોગ કર્યો. તેમણે ગીતો ગાયાં, વાદ્યો વગાડ્યાં, મહોરાં પહેર્યાં અને વિવિધ વેશભૂષા ધારણ કરી. આમ કરીને તેમણે બતાવ્યું કે તેઓ સાથે મળીને ખૂબ મજબૂત બની શકે છે અને પોતાનો મત વ્યક્ત કરવા માટે હિંસાની જરૂર નથી.
સરકારે વિરોધને દબાવવા અને દેખાવકારોનું દમન કરવા સત્તાવાળાઓને મોકલીને જવાબ આપ્યો. રાજ્યની હિંસાનાં પરિણામો—ડઝનેક વિદ્યાર્થીઓનો શ્વાસ રૂંધાયો, તેઓ ઘાયલ થયા અને તેમને અટકાયતમાં લેવામાં આવ્યા—અંગેની ફરિયાદો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ. જોકે, આ યુવાનોએ વચન આપ્યું કે જ્યાં સુધી તેમનો અવાજ સાંભળવામાં નહીં આવે અને રાજ્ય તેમની સાથે જડ બળજબરીથી વર્તતું રહેશે, ત્યાં સુધી તેઓ રસ્તા પર પાછા ફરશે અને ડગશે નહીં.
એક્વાડોરના રસ્તાઓ પર યુવાનોની આગેવાની અને તેની સામે રાજ્યની હિંસક દમન કરવાની ક્ષમતા માત્ર સામાજિક રાજ્યની કટોકટી તથા લોકોને બાકાત રાખતા રાજ્યના મજબૂત થવાનો જ પુરાવો નથી આપતી, પરંતુ રાજકીય પરિવર્તનના વાહક તરીકે યુવાનોની ઐતિહાસિક ભૂમિકા પણ દર્શાવે છે.
‘કાચની પેઢી’—જેને સમાજે સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે—હવે તેમને બાકાત રાખતી આર્થિક અને રાજકીય વ્યવસ્થાના વિરોધાભાસોનો અનુભવ કરી રહી છે. તેના કારણે તેમનું ભવિષ્ય વધુ ને વધુ અનિશ્ચિત બની રહ્યું છે અને તેઓ આ સ્થિતિ સામે પગલાં લઈ રહ્યા છે.
